સપ્રેમ શ્રધ્ધાંજલિ ……

હાર્દિકા, આમ તો મારી ભાણી પણ જાણે પહેલા ખોળાની દીકરી …… હું કોલેજમાં હતી ત્યારે તેનો જન્મ , મારા લગ્ન થયા ત્યારે ત્રણ-ચાર વર્ષની ને હું એને મારી સાથે સાસરે લઇ જ જઇશ એવો એને વિશ્વાસ….!! મારી સાથે એવો અતુટ નાતો કે લગ્ન પછી એક વર્ષ સુધી મારા પતિ સાથે એ બોલી નહી  કારણ કે એ મને તેની પાસેથી છીનવી ગયા હતા ….!! અતિશય લાગણીશીલ , સમજુ એવી આ હાર્દિકાની  કુદરતને ઈર્ષા આવી ને માત્ર ૧૬ વર્ષની ઉમરે એ અમારી વચ્ચેથી  વિદાય લઇ અનંતના પ્રવાસે ચાલી નીકળી. આજે ૨૪ સપ્ટેમ્બર તેના જન્મદિને તેને સપ્રેમ શ્રધ્ધાંજલિ ……

                         કાલે હતા જે સાથે, સ્મરણ બની ગયા…,

                        ને પાંપણો ભીની થવાના કારણ બની ગયા..!

                         માન્યું  હતું તમે કે , દુર થઇ  જશો  સૌથી…,

                               પણ પીડા બની પાસે રહેવાનું કારણ બની ગયા..!

                          બાંધ્યા હતા જે બારણે, શમણાં ભીના-ભીના…,

                        આજ હવે  ‘એ’  સુકાયેલા તોરણ બની ગયા..!

                        બીડી લીધાં નયન તમે , તેથી શું થઇ ગયું….,

                       યાદો  થકી  જાગવાના  કારણ  બની  ગયા..!

                        ફૂલોની સોબત હવે, મને ગમતી નથી સખી..,

                                     ખેરવી  કળીને,  ઉપવન  વેરણ  બની  ગયા..!!!!!!       

                                         મૌસમી મકવાણા – ‘સખી’   

સાવ અજાણ્યા

આજથી પાંચેક વર્ષ પહેલા મનાલી ૧૨ દિવસના ફેમીલી ટ્રેકિંગ માટે ગયા ત્યારે લગભગ આખા ગુજરાતમાંથી ૬૫ જણાનું ગ્રુપ હતું. શરૂઆતમાં ફોર્મલ ઓળખાણ એકબીજાની થઇ ને પછી તો એકબીજા સાથે એટલી મજા કરી છે કે ન પૂછો વાત….!!! આ રચના તે સમયે લખી હતી.

સાવ અજાણ્યા સુંદર ચહેરા, મળી ગયા અચાનક એવા,

પ્રક્રુતિને ખોળે બેસી ને, બની ગયા એ પતંગિયા જેવા,

ભુલી ગયા એ કાલ મળ્યા’તા, કેવું સાવ ફિક્કુ હસ્યાતા,

ઝરણાં સંગે ઝરતાં- ઝરતાં, હાથ ઝાલી હરતાં- ફરતાં,

બની ગયા એ સહજ એવા, લાગે જાણે કે બાળક જેવા,

હુંફાળા એક-મેક ના સંગે. બની ગયા એ મિત્રો એવા…!!

                                             મૌસમી મકવાણા – ‘સખી’

તારો ‘વાસ’….!!

પળ-પળ મનને તારો અહેસાસ છે,

એટલે જ ગરમ લાહ્ય મારા શ્વાસ છે..

ગયા તબીબ પાસે તો કહેતાવ’ છે,

એને શું ખબર કે મુળ એનુંઘાવ’ છે..

ભુવા કહે, એને વળગ્યું કંઈ ખાસ છે,

કેમ કહેવું કે દિલમાં તારો વાસ’ છે..!!

          મૌસમી મકવાણા-’સખી’

એ જ બંસીના સુરમાં…!!

 

મથુરા બેઠા કાન તમે ને હુ અહીઁ ગોકુળમાં,

બાજી રહ્યા છે કર્ણ મારા એ જ બંસીના સુરમાં…!! 

 

 લઇ બેડલુઁ પાણીડા ભરવા નિસરુ યમુના તટ જો,

     યાદ કેરા કાંકરી ચાળે ભીંજાઉ જળના પૂરમાં…….

 

મથુરા બેઠા કાન તમે ને હુ અહીઁ ગોકુળમાં,

બાજી રહ્યા છે કર્ણ મારા એ જ બંસીના સુરમાં..!!

 

    રાત-દિન હરપળ મુજને સાદ તારો સંભળાય જો,

      ચરણ બાહાવરા બની દોડે શૂળ ઉપડે આ ઉરમાં…

 

મથુરા બેઠા કાન તમે ને હુ અહીઁ ગોકુળમાં,

બાજી રહ્યા છે કર્ણ મારા એ જ બંસીના સુરમાં…!!

 

 

       ઠંડી હવાની લહેરખીએ લટ વિખરાય મસ્તીમા જો,

        સ્પર્શ તારા ટેરવાનો જગાડે સ્પંદન  આ રુહમાં……

 

મથુરા બેઠા કાન તમે ને હુ અહીઁ ગોકુળમાં,

બાજી રહ્યા છે કર્ણ મારા એ જ બંસીના સુરમાં…!!

 

કહે લોક કે કાન ગયા પણ જીવે મુજ હૈયામા જો,

     તન-મન-આતમ સઘળુ કાનો મારુ શું છે મુજમાં..!!

 

 મથુરા બેઠા કાન તમે ને હુ અહીઁ ગોકુળમાં,

બાજી રહ્યા છે કર્ણ મારા એ જ બંસીના સુરમાં…!!

                                   મૌસમી મકવાણા – ‘સખી’

 

મૌસમી મકવાણા-'સખી'

Follow

Get every new post delivered to your Inbox.