નવ પરણિત યુગલ – પ્રથમ વરસાદ …….

આ વિષય પર મારું લખાણ જે માસિક સામાયિક ‘શંખનાદ’ નાં જુલાઈ માસના અંકમાં પ્રસિદ્ધ થઈ  છે તેની ઝલક……

                                                               મૌસમી મકવાણા-‘સખી’

Advertisements

ડુબતા સુરજને જોઇ…..

ડુબતા સુરજને જોઇ આવ્યો વિચાર મનમા..,

તપતો હતો મધ્યાને જે હવે ડુબશે ગગનમા…!! 

 

ખીલે કળી ફેલાય સુગન્ધ છકે એતો મદમા…,

થતા સાંજ કરમાય છે એની હસ્તી ઉપવનમા..!! 

 

ઉજળા તન ભરપુર યૌવને છકે સુન્દરી જગમા..,

તન-યૌવન છે ચારપળનુ ઢળે સઘળુ ઘડપણમા..!! 

 

રાવણ એના બળના જોરે છક્યો ત્રણે ભુવનમા…,

મદ ઉતર્યુ શુરવીરનુ એક નારીના સગપણમા..!! 

 

ધન-દૌલત ને મોભો મળે છકે માનવ મદમા..,

સરકી જાશે સન્ધુ હાથથી સમયની કરવટમા..!!

 

જીન્દગીના સૌ રહસ્યો સમજાઇ જાશે પળમા..,

ખેલ એવો રચયિતાએ રચ્યો છે કુદરતમા…..!!!!

                     મૌસમી મકવાણા – ‘સખી’

વેલી……

 

દીઠી મેં વેલી એક વૃક્ષને વીંટળાયેલ, 

આપી આલિંગન જાણે વૃક્ષમાં જ સમાયેલ ,

 

પૂછ્યું મેં જઈ એને અંતરનો હાલ – ચાલ,

હળવું હસીને કહ્યું સાંભળી મારો સવાલ ,

 

લહેરાતી, મહેકતી, શોભતા ફૂલો અપાર ,

રંગ ને રૂપમાં જાણે મારા જ લેવાય પ્રમાણ,

 

પણ, જીવન મારું આ વૃક્ષની અસીમ દેણ ,

એની જ હૂંફથી બની સુંદર શી  હું વેલ ,

 

નજરો લોકોની કરતી ભલે મારા વખાણ ,

કેમ કરી ભૂલુ હું વૃક્ષનું એ યોગદાન !! ,

 

રૂપ-રંગ મારા થયા વૃક્ષની અમાનત ,

રસ દઈ જેણે લીધી સર્જવાની જહેમત ….!!!

                   મૌસમી મકવાણા – ‘સખી’  

આવ્યો વરસાદ …

     

આ રચના મારી દિકરીને સ્કુલમાં ધો-૭ મા વર્ષા-ગીતની સ્પર્ધા હતી ત્યારે લખેલી. જેનો રાગ ગુજરાતી ફિલ્મી ગીત – આજનો ચાંદલીયો મને લાગે બહુ વહાલો….. પરથી ગોઠવ્યો હતો. મારી દીકરીને એમાં પ્રથમ ઇનામ મળેલ.

આવ્યો વરસાદ આજ એવો.. મજાનો…..

આભથી વરસે જો… જળનો ખજાનો……. (૨)

 

ગરજે આ વાદળને……. વિજલડી થાતી….

મોરલાને ટહુકે રે …….ઝરી-ઝરી જાતી ….. (૨)

ધરતીને હૈયે જો…… આવ્યો ઉછાળો……….

આભથી વરસે જો …….જળનો ખજાનો…..

 

 મનગમતી મોસમને ……મેઘની સવારી….

લીલુડી ધરતી આ ……..થાય હરિયાળી……. (૨)

હરપલ આ જિંદગીનો લ્હાવો રે માણો……….

આભથી વરસે જો …….જળનો ખજાનો………

 

નાનકડા બાળ સૌ …….છ્બ-છ્બ કરતા……..

મોટેરાં ગોટાની ……….રમઝટ કરતા……….. (૨)

ખેડૂત આ હરખાઈ ઘેલો રે થાતો…………

આભથી વરસે જો ….જળનો ખજાનો ………

 

આવ્યો વરસાદ આજ એવો….. મજાનો……

આભથી વરસે જો…… જળનો ખજાનો……….

                     મૌસમી મકવાણા – ‘સખી’

પ્રથમ વરસાદ – નવપરણિત યુગલ

                            

                                  લહેરખી આ ભીની હવાની , લાવે સૌના દિલ પર જવાની….

                                  મોસમ છે સાથે રહેવાની , મન ભરી એને માણવાની ………..

હા, વર્ષા ….ઋતુઓની રાણી……..વરસતી સરવાણી…….

             અંત તરસની………તૃપ્તિની ઉજાણી ……….

વરસાદના શબ્દમાં જ ‘સાદ’ છે. ભીની-ભીની આ ઋતુ નાના –મોટા સૌના હૈયાને સાદ દે છે. કુદરતનો સાદ , પ્રેમનો સાદ..

                             કાળઝાળ ગરમી વેરતા ઉનાળા પછી ત્રસ્ત ધરા અને સૃષ્ટિ પર જ્યારે વર્ષાની બુંદ પડે છે અને એના અભિવાદનમાં ધરતીમાંથી જે સોડમ ઉઠે છે એની તો વાત જ ન્યારી છે….!!!એ સોડમ સૃષ્ટિના રોમ-રોમ ને મહેકાવી દે છે પછી માનવ પણ ક્યા બાકાત રહે?! એ સોડમ માંથી ઉઠે છે પ્રેમની તડપ..ને એમાંય જો નવપરણિત યુગલનો પ્રથમ વરસાદ હોય તો એની તીવ્રતા અને માદકતા ઓર વધી જાય છે!!

                             નવપરણિત યુગલને દરેક પહેલી ઋતુ આગવી રીતે સ્પર્શે છે . એમાંય જ્યારે આકાશમાં કળા વાદળ બંધાય, પવનમાં ભેજ લહેરાય, મોરલા ટેંહુક….ટેંહુક કરી સાદ દેતા હોય, વીજળીના ચમકારા અવનીને વર્ષાનો વાયદો દેતા હોય ને યુવાન હૈયાની ઈચ્છાને પ્રજ્વલિત કરતા હોય અને જે વાતાવરણ રચાય તે પ્રેમ માટે આદર્શ જ કહેવાયને….! દરેક નવપરણિત યુગલના હૈયામાં મેઘધનુષ રચાય છે ને આ હૈયે ઉગતા મેઘધનુષી રંગો વિહવળ કરી મુકે છે મિલન કાજે…પહેલા વરસાદની જેમ વહી જવું છે , છલકાઈ જવું છે , વરસી જવું છે પ્રેમમાં ..ને રેલમછેલ કરી દેવું છે સમગ્ર અસ્તિત્વ ધરતીની જેમ!!!

                                         હેલી થઇ વરસાદની , વરસી જઈએ આ પળમાં….

                                         ચાલ, કાગળની હોડી થઇ વહી જઈએ આ જળમાં…

                               આ માદક મોસમમાં નવપરણિત પ્રિયા કાગડોળે પોતાના પીયુની રાહ જોતી હોય , અંતરમાં ઈચ્છાઓના વાદળ બંધાતા હોય અને પીયુ પણ ઉતાવળા પગલે દુનિયાના છેડેથી પોતાની પ્રિયા પાસે પહોંચવા અધીરો હોય, પળનો વિરહ પણ એટલો આકરો હોય કે જાણે હૈયું પોકારતું હોય :

                                               વરસાદી વાયરે લાગી અગન ને વરસી રહ્યા છે ફોરા,

                                                છોડી સઘળા રીત – રીવાજો હવે તો આવો ઓરા…..

જુવાન હૈયા આ ઋતુમાં દુર રહી જ ન શકે એવો કરિશ્મા છે આ ઋતુમાં…!!

                            જાણીતા સંત તુલસીદાસનો કિસ્સો તો યાદ હશે જ, કે પિયર ગયેલી પત્નીને મળવા અધીરા તુલસીદાસ વરસતા વરસાદમાં, છાતી સમાણા પાણીમાં નદી પાર કરી, લટકતા સાપને દોરડું સમજી ચડે છે!!! વળી , કવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’માં શાપિત યુગલ યક્ષ-યક્ષિણી વિરહ કાળમાં હોય છે ત્યારે એકાંતવાસના આઠ માસ વિતાવ્યા પછી શાપિત યક્ષ વર્ષાઋતુ આવતા જ મિલનની તડપમાં વિહવળ બને છે અને વરસાદી કાળા વાદળ સાથે પોતાની પ્રિયતમાને સંદેશો મોકલે છે..અદભુત છે એ વર્ણન …!

                            લગ્ન થઇ ગયા હોય અને આણું બાકી હોય એવી નવયૌવના માટે આ મોસમમાં પતિ-પિયુ વગરની પળ પણ દોહ્યલી બની જાય છે , જાણે કહેતી હોય :

                                         ઝરમર વરસતી વાદળી સંગે અંગે અગન ફેલાય,

                                         બની તરબોળ પ્રેમ માણવા મન મારું લલચાય….

                                         છબ-છબ કરતા તન ભીંજાતા યાદોમાં ખોવાણા…,

                                         પ્રકૃતિ પણ મારે ટોણા , પિયુ કરવો આણા…….!!

                           વરસાદ એ પ્યાસના અંત અને મિલનની તૃપ્તિનો અહેસાસ છે . એટલે જ વરસાદ પછી વાતાવરણમાં બધે જ તૃપ્તિનો અનુભવ થાય છે. પ્રેમ અને વરસાદ એકબીજાનો પર્યાય છે. અંતે તો બંને વરસે છે ને એય વળી અનરાધાર ….વરસાદમાં ભીંજાતું યુગલ તરબોળ બની જાણે કુદરતમાં એકરૂપ થઈ જાય છે.

                           એમાંય પહેલો વરસાદ ને નવપરણિત યુગલની તો વાત જ ન્યારી છે. નવપરણિત યુગલને પ્રથમ વરસાદ વધુ નજીક આવવાની , તેમના પરિણયમાં પ્રણય ભરવાની ઉમદા તક પ્રદાન કરે છે.

છેલ્લે જાણે નવોઢા એના પતિને કહેતી હોય એવી મીઠી વાત સમી કવિ શ્રી ભાસ્કર વ્હોરાની પંક્તિ ,

            વ્હાલમજી ! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી !

                    હવે વરસો તો મેઘ થઇ એવું વરસો,

                                        કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી ! 

                                                          મૌસમી મકવાણા – ‘સખી’           

      

  

    

  

    

બાન્ધવા નીકળી છુ…….

દરિયાને મુઠ્ઠીમા બાન્ધવા નીકળી છુ……….,

ખારાશને એકજ ઘુંટમા આંબવા નીકળી છુ!!!!

દરિયો કહે; ઘુઘવાટ મારો સમજાય તો સમજ,

તરસી ગયો આ પ્રેમમા વરસાય તો વરસ….!!

સમજાતુ નહતુ, કેમ છે દરિયાને પણ તરસ..,

ઘણુજ હોવા છતા છે કઁઇક ખુટ્યાની તડપ..,

દરિયો કહે; ચાલ સમાઇ જા તુ મારામા……..,

તારી જ મીઠાશ ખુટે છે મુજ ખારામા……..!!!

યાચક બન્યો દરિયો ત્યારે મન સમજી ગયુ,

ત્રુપ્તિ દરિયાનેય નથી તો રોકવુ શુઁ રહ્યુ….?!!

દરિયો કહે;ઓગાળીજો તુજ અસ્તિત્વ આ ભરતીમા,

સમાઇ જઇશ ખુદ હુ જ પ્રેમથી તારી મુઠ્ઠીમા…….!!!!

                                        મૌસમી મકવાણા-‘સખી

 

સબન્ધ

કેરા ઉપવનની આવો  તમને કહુ વાત,

કેટ-કેટલા ફુલો એમાઁ ને કાંટાય વળી છે ખાસ..!

સબન્ધ પહેલો લોહીનો જેના અલગ રીત-રિવાજ,

 સિંચ્યા  જો  હોંશથી  તો  ફુલે  મળે  સુવાસ……..!!

 સબન્ધ બીજો દોસ્તીનો જેની મળે ન કોઇ મિસાલ,

 સિંચાય એ તો દિલથી જેની કદી ન મરે સુવાસ…!!.

 સબન્ધ ત્રીજો લાગણીનો જેમા ચાલે ન કોઇ હિસાબ,

 સમર્પણે  સિંચાય  એ  જેની  અદકેરી  સુવાસ….!!

 સબન્ધ ચોથો માંગણીનો જેમા અરસ-પરસ હિસાબ,

 સિંચાય એતો તોલમાપે જેની કદી ન હોય સુવાસ…!!

 સબન્ધ પાંચમો માનવીનો જેમા હોય અજાણ્યો સંગાથ,

 સિંચાય એતો ખંતથી જેની ફેલાય બધે સુવાસ…!!!

 સબન્ધ કેરા ઉપવને છે કાંટાય જાણે ઉપહાર,

ચુભન એની સમજાવે કિઁમત ફુલોની અપાર……..

                            મૌસમી મકવાણા-‘સખી’

છે પ્રેમ જેને …

છે પ્રેમ જેને એને કોઇ વહેવાર નડતો નથી,

ધરવા સુમન ચરણે તે કાંટાથી ડરતો નથી…

મન તો ચાહે ભરી દઉ રાહ સઘળી ફુલોથી,

આવે તુજ કદમે કોઇ કંકર મને ગમતો નથી…

માગે દુનિયા ખુલાસા એક-એક લાગણીના,

પુછે કોઇ કારણ તો જવાબ મને જડતો નથી…!!!!

                           મૌસમી મકવાણા-‘સખી’

કાળો ઓલ્યો કાનુડો …

કાળો ઓલ્યો કાનુડો જો પજવે માખણ કાજ,

મારગડો મારો ઝાલી ઉભો કઁઇ ન માને આજ..

માથે મહીને કેડે પાણીડા નીસરી યમુના ઘાટ,

કોણ જાણે ઇ’ ને કોણે કીધુ પકડી મારી વાટ…

ટોળકી ભેગી ભેરુઓની ને ઇ એ નો સરદાર,

એકલો હોય તો હેતે જમાડુ ભેગા છે દસ-બાર..

લાજ શરમ તો ઇ’ શુઁ જાણે પેટથી ઇ ને કામ,

થાકી હવે તો માન્યુ મે કે સારા દુરથી પ્રણામ..!

બહુ ફટવ્યો ઓલી જશોદાએ નથી શીખવી સાન,

પારકી થૈને હુઁ શીદ શીખવુઁ સારા-નરસાનુ ભાન..!

કદમ્બ ને ટેકે કેવો ઉભો ને મારે નજરુના બાણ,

કાંકરી છે હાથમાઁ જાણે આગળના દેતો એઁધાણ..!

મારવા મે જ્યાઁ હાથ ઉગામ્યો થૈ મટકી માંથી ધાર,

ઠેસ વળી ત્યાઁ હાલતા વાગી દોહ્યલા મહીના ભાર..!

હાઁ…..હાઁ……કરતો દોડ્યો જાણે ઝાલવાને મુજ હાથ,

હુ હરખાણી, આજ તો મળ્યો કાનુડા નો સંગાથ….!!

ત્યાઁ તો મટકી ઝુંટવી દોડ્યો ન ભાળે પાછુ લગાર,

બહુ ઉતાવળો એ શુઁ જાણે મીઠી બની સવાર…!

દહીઁ મથી વલોવ્યા માખણ મેઁ કાનુડા કાજ,

મારેય વળી ક્યાઁ વેચવાતા મહી ને માખણ આજ…!!!

મૌસમી મકવાણા-‘સખી’

શ્રધ્ધા

પરિક્ષા તારી કુદરત એ સમજવા કરે છે,

વિટંબણામાંય તુ કેટલી અડગ શ્રધ્ધા ધરે છે..

આપત્તિઓ કુદરત મોકલે છે એ માટે જ,

કે નવસર્જન અર્થે તે પછી જ જગા મળે છે..

ઘાસનું ફુલ થવામાં ક્યાં છે એવી મજા,

ગુલાબ કેરા ફુલને જ કાંટાની મજા મળે છે…..

મૌસમી મકવાણા-‘સખી’

Previous Older Entries Next Newer Entries

મૌસમી મકવાણા-'સખી'